
સમસ્ત પાટીદાર સમાજનું મધ્ય ગુજરાતનાં પ્રથમ સંમેલનનું આયોજન વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે પટેલ વાડીમાં કરવામાં આવ્યું હતું. જે સંમેલન કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ( જીયા તલાવડી વાળા) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કરવામાં આવ્યો હતો. સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


સંપ ત્યાં જંપ ઉક્તિને સાર્થક કરવા આહવાન
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પ્રથમ વખત આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજનાં વડોદરા જીલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનાં આગેવાનોની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું. ત્યારે સમાજમાં જાગૃતિ લાવવા માટે ” જય પાટીદાર, જય સરદારના” નારા સાથે વિવિધ મહાનુભવોએ વક્તવ્ય આપ્યાં હતાં. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ સતિષભાઈ પટેલ – નિશાળીયા, ડભોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ, જયેશભાઈ પટેલ( માવલી વાલા), દિલીપભાઈ પટેલ – ડભોઈ એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન, ડો. મહેન્દ્રભાઈ પટેલ, શિનોર APMC ચેરમેન સચીનભાઈ પટેલ, વિરલ પટેલ, દર્શન પટેલ જેવા વિવિધ રાજકીય પક્ષોનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, અને ધવલભાઈ પટેલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી તથા વડોદરા જિલ્લા મંડળનાં તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વડોદરા જિલ્લામાં ગત ચૂંટણીમાં સમાજનાં ત્રણ ધારાસભ્યો હતાં તેમાંથી હવે માત્ર એક જ થઈ ગયાં
આ સમગ્ર પ્રસંગે માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષભાઈ નિશાળીયાએ પોતાનાં વકતવ્યમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં પાટીદાર સમાજના ત્રણ ધારાસભ્યો ગત ચૂંટણીમાં ચૂટાયેલા હતાં. હવે તેમાંથી માત્ર એક જ ધારાસભ્ય થઈ ગયા. જેથી હવે સમાજે સંગઠીત થવું જરૂરી છે. અન્ય સમાજનાં લોકો જાગુત થઈ રહ્યા છે, ત્યારે પાટીદાર સમાજમાં એકતાની જરૂર છે તેમજ કરજણથી આવતાં ડભોઇના રોડ – રસ્તા ખરાબ હોવાને કારણે દોઢ કલાકે પહોંચી રહ્યો હતો. આપના ટેક્સના પૈસાથી રોડ રસ્તા બને છે અને વિકાસ થાય છે અને સરકાર પણ આ બાબતે જાગૃત હોવાનું જણાવ્યું હતું. આ સંમેલનમાં જયેશભાઈ પટેલ માવલીવાળાએ એકાવન હજાર રૂપિયા પાટીદાર સમાજને દાનમાં આપ્યાં હતાં. તેમજ અન્ય દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું હતું. મોટી સંખ્યામાં પાટીદારોએ ભેગા થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
સમાજે એકત્રિત થવાની જરૂર
પાટીદાર સમાજે એક થવાની જરૂર છે કારણ કે નાના નાના સમાજો જેવાં કે, ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ જેવાં નાનાં નાનાં બધા સમાજના ખૂબ એકતા સાથે લોકો ભેગા થાય છે ત્યારે આ સાથે કહેવું પડે છે કે, પાટીદાર સમાજનાં લોકો ગામોમાંથી આગળ જાય તો એને આપના જ પાટીદારો એને ઘરે લાવવાની તૈયારીઓ કરતાં હોય છે. કોઈ સામાજિક કે પછી રાજકીય રીતે આગળ વધીને જતો હોય તો આપને આજુબાજુનાં ગામોમાંએ પાટીદાર સમાજને આગળ મોકલવો જોઈએ આપના જ પાટીદાર સમાજનાં લોકોએ ટાંટીયા ખેંચવાની પદ્ધતિ બંધ કરી દેવી જોઈએ અને આપને તેમાંથી બહાર આવવું જોઈએ. પાટીદાર સમાજ શિક્ષણ બાબતે ભેગાં થઈને આગળ વધવું જોઈએ. હવે આપના સમજે ચેતવું પડશે ૧૨ ગામ પાટીદાર સમાજ કે પછી ૨૭ ગામ કે પછી ૨૨ ગામનો સમાજ હોય અલગ અલગ સમાજે ભેગા થઈને એક રેહવું પડશે. પટેલ શબ્દ આવે એટલે બધાએ ભેગા થઇને એકતા બતાવી પડશે અને એકતાની જરૂર છે.