અસહ્ય મોંધવારી અને ફાઈનાન્સ કંપનીનાં એજન્ટોના ત્રાસથી કંટાળી યુવાને ભર્યુ જીવલેણ પગલું

હાલમાં ચાલતી અસહ્ય મોંઘવારીનો માર અને તેવામાં ખાનગી ફાઈનાન્સ કંપનીનાં એજન્ટોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈને વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં એક યુવાને પોતાનાં જીવને જોખમમાં મકતું પગલું ભર્યું હતું અને તે યુવાન એક મોબાઈલ કંપનીનાં ટાવર ઉપર ચઢી ગયો હતો અને ભારે તોફાન મચાવ્યું હતું, જેથી આ તોફાન જોવા વિસ્તારનાં નાગરિકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં અને માહોલ ગરમાયો હતો. છેવટે સમજાવટથી મામલો થાળે પડયો હતો.
વિડિયો જોવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
અવારનવાર ફાઇનાન્સ કંપનીનાં રિકવરી એજન્ટોની સામે આવતી દાદાગીરી
ડભોઇ નગરમાં મોટા કુંભારવાગા પાસે રહેતા એક યુવકે બજાજ ફાઇનાન્સ કંપની મારફતે લોન લઈ હપ્તેથી મોબાઈલ ફોનની ખરીદી કરી હતી. પરંતુ આ કારમી મોંઘવારીમાં પોતાનો જીવન નિર્વાહ પણ મુશ્કેલ બન્યો હતો. જેથી આર્થિક તંગી સર્જાઈ હતી પરિણામે આવાં અનિવાર્ય સંજોગોના કારણે યુવક લોનના હપ્તા નિયમિત રીતે ભરી ન શકતાં આ ફાઇનાન્સ કંપનીનાં રિકવરી એજન્ટો લેણદારની પાછળ પડી ગયાં હતાં અને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. કેટલીકવાર આ રિકવરી એજન્ટો પોતાની મનમાની અને ખુલ્લી દાદાગીરી કરતાં હોય છે જેને પરિણામે પોતાની સામાજિક આબરૂ અને દરજ્જો જાળવી રાખવા જીવને જોખમમાં મૂકતી ઘટનાઓ સામે આવે છે અને કુટુંબે પોતાનો મોભી ગુમાવવાનો વારો આવે છે. જેથી પ્રવર્તમાન સરકાર અને રિઝર્વ બેંક આવી બેલગામ બની રાક્ષસી વ્યાજ અને આડેધડ પેનલ્ટી વ્યાજની વસુલાત કરતી ખાનગી ફાઈનાન્સ કંપનીઓ ઉપર કાયદેસરનાં પગલાં ભરે તે આજનાં સમયની તાતી જરૂરિયાત હોવાની લોકમાંગ છે.
ફાઈનાન્સ કંપનીનાં રિકવરી એજન્ટો આવતાં યુવાન ચડયો મોબાઈલ ટાવર ઉપર
ડભોઇ નગરનાં ભીલવાગા વિસ્તારમાં રહેતાં દામોદર નામનાં એક યુવકે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી મોબાઇલની લોન લીધી હતી. જેનાં હપ્તા રેગ્યુલર ન ભરાવાના કારણે રિકવરી એજન્ટો તેની પાસે કડક ઉઘરાણી કરતાં તેનાં ઘર સુધી પહોંચ્યાં હતાં અને તે યુવકને પકડવા તેની પાછળ દોડતાં આ યુવકે મોબાઇલ ટાવર ઉપર ચડીને ધીંગાણું મચાવ્યું હતું. જોત જોતામાં આસપાસનાં વિસ્તારમાંથી લોકો આ દ્રશ્ય નિહાળવા માટે દોડી આવ્યાં હતાં અને ઘડીકવાર માટે આ દ્રશ્ય બીજાઓ માટે હાસ્ય રૂપ બન્યું હતું પણ હકીકતે આ યુવાને પોતાની સામાજિક આબરૂ બચાવવા પોતાનાં જીવને જોખમમાં મૂકી દીધો હતો.
લોકો સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો
જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના બનતાં આસપાસના રહીશો અને પરિવારજનો તાત્કાલિક મોબાઈલ ટાવર પાસે આવી પહોંચ્યાં હતા અને ભારે સમજાવટ બાદ યુવકને મોબાઈલ ટાવર ઉપરથી નીચે ઉતાર્યો હતો. ઉપસ્થિત લોક ટોળામાંથી જાણવા મળેલ માહિતી મુજબ આ યુવક નશાની હાલતમાં હોય તેવું પણ લાગતું હતું. પરંતુ પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે, જો આ યુવકે તેનો જીવ ગુમાવ્યો હોત તો જવાબદાર કોણ ? જેવા કેટલાક ગંભીર સવાલો પણ ફાઇનાન્સ કંપની અને તેનાં રિકવરી એજન્ટો ઉપર પરિવારજનોએ કર્યા હતા.
મોજશોખ અને મોંઘવારી વચ્ચે પીસાતો સામાન્ય માનવી
દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે અને લોકો મોજશોખ અને વ્યસનોના રવાડે ચડતાં જાય છે. ત્યારે સામાન્ય માનવી પણ આ મોંઘવારીના ખપ્પરમાં પીસાતો જાય છે. એટલું જ નહીં પણ આ સામાન્ય નાગરિકની આર્થિક તંગીનો લાભ આવી ફાઇનાન્સ કંપનીઓ પણ ઉઠાવી લેતી હોય છે. વારતહેવારે આવી ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોભામની લાલચો – જાહેરાતો આપવામાં આવતી હોય છે અને તેની પાછળ તગડું રાક્ષસી વ્યાજ પણ આ કંપનીઓ વસુલતી હોય છે. કેટલીક વખત સામાન્ય માનવી આ કંપનીઓનાં વ્યાજના ચકકરમાં ફસાઈ જતો હોય છે. જેથી હવે સમજદાર નાગરિકો તો લોન લેવા માત્રથી દૂર રહેવા લાગ્યા છે.
લોન લેતા સમયે ફાયનાન્સ કંપનીઓની ડાહી ડમરી વાતો પણ પછી તેમની વાતો કંઈક અલગ જ
જાણવા મળતી માહિતી મુજબ ફાઇનાન્સ કંપનીઓના સેલ્સ કર્મચારીઓ જ્યારે કોઈપણ વ્યક્તિને લોન આપે છે ત્યારે ડાહી ડમરી વાતો કરે છે અને અલગ અલગ પ્રકારની લોભામણી લાલચો આપતાં હોય છે. પરંતુ ધિરાણ આપ્યાં બાદ જો લોન લેનાર વ્યક્તિનાં જીવનમાં મુશ્કેલી સર્જાય અને જો તે સમયસર એકાદ બે હપ્તા ભરવાનાં ચૂકી જાય તો આ લોન લેનાર વ્યક્તિ નાદાર બની ગઈ હોય, તેવું વર્તન રીકવરી એજન્ટો કરતાં હોય છે અને તે વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને મોટો ધકકો પહોંચાડતાં હોય છે અને આ રિકવરી એજન્ટો ડોન બની બેસતા હોય છે. માટે હાલની પ્રવર્તમાન પ્રજા પ્રેમી સરકાર અને આ ફાઈનાન્સ કંપનીઓ ઉપર નિયમન કરતી રિઝર્વ બેંક આવી મનમાની કરતી ફાઈનાન્સ કંપનીઓ ઉપર કાયદાકીય કડક કાર્યવાહી કરે અને નાગરિકોના જીવને ઉભું થતું જોખમ અટકાવે તેવી હાલનાં સમયની પ્રચંડ લોકલાગણી છે.