
ઐતિહાસિક ડભોઇ – દભૉવતિ નગરીમાં દરેક ધર્મનાં તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હાલમાં જયારે મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. તેવામાં ડભોઈ નગરમાં મહુડી ભાગોળ બહાર આવેલ જહોરા પાર્ક સોસાયટીમાં છેલ્લાં કેટલાય દિવસોથી ગટરનાં પાણી ઉભરાઈ રહયાં છે. જેથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. જાણવા મળતી માહિતી મુજબ, આ અંગે સોસાયટીનાં બિલ્ડરની અણ આવડત, કે પછી પાલિકાનાં વહીવટી તંત્ર સાથે સંકલનનો અભાવ, કે પછી આ જહોરા પાકૅ રહેણાંક સોસાયટીમાં આવેલ તિજોરી બનાવવાનાં કારખાનાઓના કારણે આ ગટરો ઉભરાય છે તેનું રહસ્ય અકબંધ છે. પરંતુ સોસાયટીનાં સામાન્ય નાગરિકોની હાલત ” પાડાના વાંકે પખાલી ને ડામ ” જેવી હાલત થવા પામી છે. આ સમસ્યા અંગેની સત્ય હકીકત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવે તેવી પ્રચંડ લોકમાંગ ઉભી થવા પામી છે.
સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર અને સોસાયટીનાં બિલ્ડર સામે વિવિધ આક્ષેપો કર્યા છે. જયારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જયકિશન તડવીએ જણાવ્યું હતું કે, આ જહોરા પાકૅ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનોની સાથે સાથે કેટલાક તિજોરી કબાટ બનાવવાનાં કારખાનાઓ પણ ઉભાં થઈ ગયાં છે,

આ કારખાનાઓવાળાની નિષ્કાળજીના કારણે વારંવાર આ વિસ્તારની ગટર લાઈનો ચોક અપ થઈ જાય છે અને ગટરનાં પાણી ઉભરાય છે. કેટલીક વખત તો ડ્રેનેજ લાઈનો સાફ કરતાં સમયે લાઈનોમાંથી તિજોરી કબાટો રંગવા માટે ઉપયોગમાં લેવાતા કલરના ડબ્બાઓ કે નાના – નાના ટીન પણ નીકળતાં હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. જેને પગલે ચીફ ઓફિસરે કેટલાક તિજોરી કારખાના વાળાઓને આ અંગે નોટિસ પણ ફટકારી છે. પરંતુ સ્થાનિક રહીશોને તો પવિત્ર રમજાન માસમાં ગટર ગંગાના પાણીમાં પગ મૂકીને નમાઝ અદા કરવા અને બંદગી કરવા માટે પસાર થવાનો વારો આવ્યો છે. ત્યારે આ સ્થાનિક રહીશોની પડખે કોણ આવશેએ હવે જોવાનું રહ્યું ? કેટલાક સ્થાનિક રહીશોએ પોતાનાં વિસ્તારનાં નગરસેવકોને પણ આ અંગે જાણ કરી હતી પરંતુ કેટલાક નગરસેવકો માત્ર ચૂંટણી સમયે જ આ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે,

તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે અમોએ નગરસેવકોને રજૂઆત કરી છે, છતાં કોઈપણ સ્થાનિક નગરસેવક મુલાકાતે આવ્યાં નથી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. તેમ છતાં હવે જોવુંએ રહયું કે, નાગરિકોની આ સમસ્યાનો ઉકેલ કયારે આવે છે અને પાલિકા તંત્ર કેવાં પગલાં ભરે છે ?
