
ડભોઇ નગરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત વિવિધ કોલેજો દ્વારા સમગ્ર પંથકનાં વિદ્યાર્થીઓને ઉચ્ચત્તમ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ડભોઇ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે સંલગ્ન જે.કે.એમ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ, બી.એસ. ડબલ્યુ અને ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ, આમ ત્રણેય કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આજરોજ દ્વિતીય વાર્ષિકોત્સવ યોજી માનભેર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતાં અને આ કાર્યક્રમને રંગારંગ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


તેમજ વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્ર વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આમ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે વિદ્યાર્થીઓને સન્માનિત કરી મોમેન્ટો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજનાં આચાર્ય મૌલિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળનાં

પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજનાં આચાર્યશ્રીઓ, પ્રોફેસરો અને અન્ય સ્ટાફ ગણ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો, તેમજ કાર્યક્રમનાં અંતે પ્રીતિ ભોજન પણ સાથે લીધું હતું. તેમજ મંડળનાં પ્રમુખ પ્રમુખ શશીકાંતભાઈ પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજરોજ વિદ્યાર્થીનીઓ અને મહિલા પ્રોફેસર અને મહિલા સ્ટાફગણને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પણ આપી હતી.


