
રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ડભોઇ બોડેલી રોડ ઉપર ગોપાલપુરા નજીક એક બોલેરો ચાલકે બાઇક ચાલક ને અડેફેટે લેતા ૩ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા . જાણવા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અને હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

ડભોઇ- બોડેલી નજીક ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતા સમયે બોલેરોએ ટક્કર મારી હતી. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે.