
ડભોઇ – દર્ભાવતી નગરીમાં નગરપાલિકા ખાતે છેલ્લાં સાડત્રીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક અને કર્તવ્ય નિષ્ઠ રીતે ફરજ બજાવતાં કનુભાઈ સોલંકી વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. નગરનાં ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ કર્મચારીને વાજતે ગાજતે બગગીમાં બેસાડી માનપૂર્વક વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.


આ કર્મચારીને પહેલાં નગરપાલિકા ખાતે પાલિકાનાં પ્રમુખ બિરેન શાહ સહિત પાલિકાનાં ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો અને કર્મચારીઓની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે નગર પાલિકાનાં ઇતિહાસમાં પ્રથમવાર નિવૃત્તિના દિવસે જ તેમને નિવૃત્તિ વિષયક લાભો માટે રૂ. ૭,૭૦,૦૦૦ નો ચેક પણ આપવામાં આવ્યો હતો. કનુભાઈએ તેમની ફરજના વર્ષો દરમ્યાન સાથી કર્મચારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ઉભાં કર્યા હતાં,

જેથી તેમના સાથી કર્મચારીઓ અને સમર્થકોએ તેમને બગ્ગીમાં બેસાડીને વાજતે ગાજતે ધૂમધામથી ડીજેના તાલ સાથે ડભોઇ નગરપાલિકાથી નિકળ્યાં હતાં અને તેમનાં ધર સુધી મૂકવા ગયાં હતાં અને તેમનું નિવૃત્ત જીવન આનંદમય, સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. આમ નગરનાં ઈતિહાસમાં પહેલીવાર આ રીતે પાલિકાનાં કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો હતો.