
( જયુબેલી બાગ ખાતેના વેંકટેશ બાલાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર)
વડોદરા શહેરમાં જ્યુબિલી બાગ ખાતે આવેલ વેંકટેશ બાલાજી મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રીમદ્ જગદગુરુ રામાનુજાચાર્યજી મહારાજના 1008માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે વેંકટેશાચાર્યજી મહારાજના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જે પૈકી સાંજે 4:00 થી 6:30 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં રામાનુજ સ્વામીજીનો મહા અભિષેક તેમજ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, ખારેક જેવા સુકામેવા અને ગુલાબ, મોગરો, જુઈ, ગલગોટા જેવા પુષ્પો વડે તેમજ રૂપિયા પૈસા, કેરી, ચીકુ, સંતરા જેવા ફળો વડે નામ અર્ચના કરાઇ હતી. ભારે ભક્તિભાવથી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.



જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ત્યારબાદ મંદિર પરિસરમાં શ્રીરામાનુજ સ્વામીજીની પાવન પાલખી યાત્રા નીકળી હતી. હજારો ભાવિક ભક્તોએ આ મહોત્સવ નિમિત્તે દર્શન કરી જન્મોત્સવ ઉજવ્યો હતો.
