
ડભોઇ – દભૉવતિ નગરી ખાતે ભગવાન વિશ્વકર્માના જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.ડભોઈ નગરમાં ઝારોલા વાગા ખાતે આવેલ વિશ્વકર્માના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.

આજે વિશ્વકર્મા પ્રભુનો જન્મ દિવસ હોવાથી ડભોઇ ઝારોલાવાગાના મંદિર બહારના પરિસરમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો. નગર તેમજ તાલુકામાંથી જ્ઞાતિબંધુઓ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિશ્વકર્મા મંદિરમાં વહેલી સવારે મંગળાના,તેમજ શણગાર ના દર્શન થયા હતા. ત્યારબાદ બપોરે મહાઆરતી બાદ
રાજભોગના દર્શન થતા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો લીધો હતો. આ સમયે મંદિર પરિસરમાં બાંધેલ મંડપ પણ નાનો પટડતો જોઈ શકાતો હતો. ભક્તોથી મંદિર ખીચોખીચ ભરાઈ ગયું હતું.
ત્યારબાદ મહાપ્રસાદીની જ્ઞાતિબંધુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના સમયે ઝારોલાવાગા ખાતે આવેલ મંદિરેથી ભવ્ય ભક્તિમય ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી.જેમાં વિક્ટોરિયામાં બિરાજમાન ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરેથી નીકળી શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી હતી. એ સમયે આ શોભાયાત્રા ને કેટલાક ભક્તોએ દંડવત પ્રણામ કર્યા હતા. નગરનું વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. આ શોભાયાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતું. વિશ્વકર્માનો શાસ્ત્રોક્ત અર્થ વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ જેઓ ના પવિત્ર હાથ વળે જગતનું સર્જન થયું છે. એ વિશ્વકર્મા કહેવાય ભગવાન અને કન્યાદાન નું મહત્વ જગત સમક્ષ ભગવાન વિશ્વકર્મા પ્રભુએ મૂક્યું હતું.
ડભોઇ નગરમાં ભવ્ય શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી જતી હતી તેમ તેમ ભક્ત સમુદાય ભગવાનના દર્શન સાથે ધન્ય બનતો રહ્યો હતો. વાજતે-ગાજતે નીકળેલ શોભાયાત્રા વડોદરી ભાગોળ થઈ પટેલ વાગા ટાવર થઈ નગરના મુખ્ય માર્ગો પર ફરી ને પરત રાત્રે વિશ્વકર્મા મંદિરે પહોંચી હતી. આગલા દિવસે રાત્રિના વિશ્વકર્મા મંદિરે ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૌ ભાવી ભક્તો એ તેનો લાભ લીધો હતો.