વડાપ્રધાનશ્રીએ એક ક્લિક કરી અને વડોદરાના ૧.૧૦ લાખ ખેડૂતોને મળ્યા રૂ. ૨૨ કરોડ

વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ત્રિમંદિર વરણામા ખાતે સાંસદ ડૉ હેમાંગ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બિહારના ભાગલપૂરમાંથી વડોદરા જિલ્લાના ૧.૧૦ લાખ ખેડૂત પરિવારોને પીએમ કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તા પેટે રૂ. ૨૨ કરોડનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના ૨.૧૬ લાખ ખેડૂત કુટુંબોને અત્યાર સુધીના ૧૮ હપ્તામાં ૫૮૯.૭૪ કરોડની સહાય સીધા તેમના બેન્ક ખાતામાં ચૂકવાઇ છે.

આ અવસરે સાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યુ હતુ કે, રાજ્યના ખેડૂતોને ખેત પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે, ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન થાય તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા રાજ્યના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.
સાંસદ શ્રી જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. ખેડૂતો દેશની ઈમારતનો પાયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ બનાવવા સરકાર કાર્યરત છે. વર્ષ ૨૦૪૭ સુધીમા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ખેડૂત અને આધુનિક ખેતીનુ વધુ યોગદાન મળે, ખેડૂતો આર્થિક રીતે વધુને વધુ સધ્ધર બને, ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી શકાય તે માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. ખેડૂતોની મહેનતથી ગુજરાત ખેતીના ક્ષેત્રે આજે અગ્રેસર બન્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ બિહાર રાજ્યના ભાગલપુરથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને જીવંત કાર્યક્રમ દ્વારા સાંભળ્યા હતા.
ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને ખેત સાધન સહાય મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, સયુંકત ખેતી નિયામક મહેશ પટેલ, પ્રાંત અધિકારી ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.